.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

4 अप्रैल 2020

આઈ શ્રી સાંગવારી મા

🌺 આઈ શ્રી સાંગવારી મા🌺


વિક્રમની આઠમી સદીમાં ભગવતી આવડે સિંધના અન્યાયી શાસક સુમરાના શાસન સામે લોકસમુહ દ્વારા ચાલતી ચળવળનું નેતૃત્વ લીધું અને આ
અન્યાયી શાસનને સમાપ્ત કરી સિંધમાં શાંતિ અને ન્યાયપ્રિય વ્યવસ્થા સ્થાપી. 

આઇશ્રી ત્યારપછી સિંધ છોડી રાજસ્થાન તરફ આવ્યા. આ સમયે તેમની સાથે ઘણા ચારણ સમૂહોએ પણ સિંધ છોડયું. તેમાંથી ઘણા રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવી આ ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી. આ સીલસીલો વિક્રમની સોળમી સતરમી સદી સુધી લગભગ ચાલુ રહયો.

આમ પણ ચારણો ભ્રમણશીલ જાતિ છે. પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. તે કારણે દુષ્કાળના વર્ષોમાં માલઢોરોનું જતન પોષણ કરવા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહ્યા છે.
વાગડના ખડીર પ્રદેશનો અમુક ભાગ ખુબ સારા ઘાસ માટે પ્રસિદ્ધ છે. એટલે આ ઘાસીયો પ્રદેશ માલધારી ચારણો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહયો છે. કદાચ આ કારણે જ સુરતાણિયા શાખના ચારણો વિક્રમની ચૌદમી સદીમાં પાધરડી, તો ઝીબા શાખના ચારણો સોળમી સદીમાં વાવડી, સિંહઢાયચ શાખાના ચારણો વિક્રમની સતરમી સદીમાં આ પ્રદેશ પર પસંદ ઉતારી અહીં સ્થાયી થયા.

ભાદાજી કરણજી ઝીબા નામના ચારણ સરદાર જ્યારે વાવડીમાં આવ્યા ત્યારે આ પ્રદેશ પર સિંધલ રાજપુતોની હકુમત હતી. ભાદાજીનું કુટુંબ એક સંસ્કારી ચારણી કુટુંબ હતું. ભાદાજીને ખોડીદાનજી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રીરત્ન હતા. જેમાંથી પદ્માબાઈને સોમલ શાખાના ચારણોમાં જતાવીરા-કચ્છ (તા. નખત્રાણા) પરણાવેલ જ્યાં તેમના પુત્રી સીતા સતીએ વિ.સં. ૧૬૮૪ મહાસુદ-૭ સોમવારે સત લીધેલું. આજે પણ તળાવ કાંઠે એમની નાની દેરી મોજુદ છે.
 છે.

ભગવતી આઇશ્રી વરજુમા ઉર્ફે સાંગવારીનું પ્રાગટ્ય કચ્છના ખડીર પંથકના વાવડી ગામે થયેલો તેમના પિતાશ્રીનું નામ ખોડીદાનજીને અને તેમના માતૃશ્રીનું નામ પૂરબાઈમાં જેઓ વરસડા શાખાના હતા. દાદાશ્રીનું નામ  ભાદાજી હતુ. આઇમા ના પીતાશ્રી ખોડીદાનજી ને ચાર પુત્રો સાંગોજી, રાણોજી, ખેંગારજી તેમજ રાજધર અને ત્રણ પુત્રીઓ દેવલબાઈ વરજુબાઈ અને વાનુમાં નામે ત્રણપુત્રી રત્નો  હતા આ કુટુંબના  પુર્વ ના  કેટલા પુનિત  કર્મો  હશે કે તેમની  આ ત્રણે પુત્રીઓ જગદંબા સ્વરુપે પૂજાય છે

ઝીબા શાખાના ચારણો પાસે બહોળું પશુધન હતું. તેથી ચરિયાણ પ્રશ્ને સિંધલ રાજપુતો કે જે અહીંના શાસકો હતા તેમની સાથે તેમનો વિવાદ થતો રહેતો ઝીબા શાખાના ચારણો આ પ્રદેશ છોડી જાય તે માટે તેમના સાથે અવારનવાર ત્રાસ આપી સંઘર્ષ કરવામાં આવતો પણ આ ચારણો શક્તિશાળી હતા. તેથી સિંધલોની એક કારી ન ફાવતી છતાં પણ તેઓ સદા સંઘર્ષ વિવાદ માટે મોકાની તલાશમાં રહેતા આમ આ સંઘર્ષ વધતો ગયો.

ખોડીદાનજીના પુત્ર સાંગોજી આ બધું પશુધન સંભાળતા અને ચરાવતા. સિંધલ રાજપુતો સાથેના અણબનાવને કારણે સાંગોજીની રક્ષા માટે તેમના બહેન ભગવતી સ્વરૂપા વરજુબાઈ પણ સાંગોજી સાથે જતા. તેમના ચારણી સંસ્કારો જગદંબા સ્વરૂપ રહેણી કરણી મુખ પરનું તેજ અને તેમની પ્રતિભાને કારણ વરજુબાઇથી સિંધલ રાજપુતો ડરતા અને આ કારણે ઝીબા ચારણોનું પશુધન અને પુત્ર સાંગોજીને ઉની આંચ ન આવતી.

હાલમાં જ્યાં માતાજીનું સ્થાનક છે. તેની પાસેના તળાવ પર હંમેશાની જેમ સાંગાજીનું પશુધન પાણી પીવા આવતું. આ ઘટના બની તે દિવસે પણ પશુધન તળાવે પાણી પીવા આવેલું. આ દરમ્યાન એક નાની વાછરડી તળાવ અંદર ચાલી ગઇ અને ત્યાં કાદવમાં ફસાઈ ગઈ. આઈમાનું હદય મૂંગા જીવ પ્રત્યે કરૂણાથી આદ્ર થઈ ગયું. આઈમાંથી આ નાના જીવની પીડા સહન ન થઈ શકી એટલે આઈમા આ તળાવમાં ઉતરીએ નાના અબોલ જીવને બચાવવા પ્રયત્ન કરવા લાગ્યા.

અહીં સાંગોજી પોતાના પશુધન સાથે થોડા આગળ નીકળી ગયા. અંહી હંમેશાં ઝઘડાના મોકાની તલાશમાં રહેતા બે સિંધલ રાજપુતોએ સાંગોજીને એકલા જોયા. આજે માતાજી પણ તેમની સાથે નથી એટલે આને ખુબ સારો મોકો માંની આ રાજપુતોએ સાંગાજી સાથે ઝઘડો કર્યો. સાંગોજી એકલા હતા એટલે આ સંઘર્ષમાં સાંગોજી કામ આવી ગયા.

વાછરડી બચાવી આઈ બહાર નીકળ્યા ત્યાં આઈને આ ઝઘડાનો અવાજ કાને પડયો. આઈ સમજી ગયા કે કાંઈ અજુગતું થયું છે એટલે આઈ દોડતા દોડતા પોતાના ગૌધન પાસે આવ્યા જોયું તો સાંગોજીનું શરીર મૃત અવસ્થામાં જમીન પર પડેલ છે અને સિંધલો અહીંથી નાસી જવાની તૈયારી કરી રહ્યા છે. આઇને જોતાં જ સિંધલો ભાગ્યા. આ દશ્ય જોઈ આઈ ક્રોધિત થયા બોલ્યા ફટ ભૂંડા આવું હિણ કામ કર્યું. એક ચારણને માર્યો હવે આમાં કાંઈ સારી વાટ નહીં થાય. ભગવતી તમને સજા જરૂર આપશે.

આમ બોલી પોતાની ગાયોને તેમના નામથી સંબોધી બોલ્યા ! ગવરી ગાયત્રી સરસતી તમને કુણા કુણા ઘાસ ખવડાવનારો તમારી સેવા કરનારો, તમને જીવની જેમ વ્હાલ કરનારો સાચવનારાને મારનારા શું અહીંથી સલામત ચાલ્યા જશે. ગાયોએ જાણે આ ભાવ સમજી લીધો હોય તેમ બને સિંધલ રજપુતોને ઘેરવા વર્તુળ રચવા આગળ વધી. અહીં સિંધલ રાજપુતો ગભરાયા ભાગ્યા. ગાયો તેમની પાછળ દોડી. ગભરાટને ગભરાટમાં બન્ને રાજપુતો એક પથ્થર સાથે અફળાયા અને બન્નેનો જીવ નીકળી ગયો. આમ પાપીઓ ગામના ઝાંપા સુધી પહોંચે તે પહેલાં જ તેમને સજા થઈ ગઈ અને આઈમાના વચન સાચા થયા. આ વાતની સાક્ષી પુરતો એક દુહો લોકજીભે સચવાયેલો

શક્તિ તેં સાંગા તણા અરીને હણ્યા આઈ
વરજુ વિસાં ભુજાળી (તારા) બિરદ વડા છે બાઈ

અહીં ગાયો ગામમાં પહોંચી ગામ લોકોને ઘટનાની જાણ થઈ બધા ગ્રામજનો ઘટના સ્થળે આવ્યા તો ભાઈના પાર્થીવ શરીર પાસે આઈને બેઠેલા જોયા.

આઈએ ગ્રામજનોને જોઈ કહયું કે  "મારી સમગ્ર ચેતના, ધ્યાન, શક્તિ સામર્થ્ય એક મુંગા જીવને બચાવવામાં કેન્દ્રીત હતા તે દરમ્યાન આ બનાવ બની ગયો પણ ભગવતીને આમ મંજુર હશે એમ માનજો. પાપીઓને સજા મળી ગઇ છે મારી ઓળખ પણ હવે પ્રગટ થઈ ગઈ છે. એટલે મારે ભાઈ સાંગાને ખોળામાં લઇ સત લેવું છે માટે આપ એ માટે વ્યવસ્થા ગોઠવો.”
આઈમાનું જ્યાં સ્થાનક હાલે કરછ જીલ્લાના ભચાઉ તાલુકાનું  રતનપર ખડીર પાસેના વાવડી ગામ તળાવના કાંઠે છે. ત્યાં ચિતા ખડકવામાં આવી અને આઇશ્રી પોતાના ભાઈ સાંગાના પાર્થીવ દેહને ખોળામાં લઈ અગ્નિના સથવારે મહાપ્રયાણ આદર્યું. આમ જ્યોત મહાજ્યોતમાં સમાઈ ગઈ.

ભાઇ સાંગા માટે સત લીધું એટલે આઈશ્રી સાંગાવારી અને પાછળથી સાંગવારી નામે પ્રસિદ્ધ થયા.  

આજે પણ આઈને અઢારે વર્ણના લોકો માને છે અને ભાદરવા સુદ ચૌદશનો આ પંથકનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને આઇની જાતર ઉજવાય છે. હાલે ત્યાં આઇમાનું એક સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે.

આઈમાના આ પ્રસંગ વિશે એક છંદની કડી લોકજીભે સચવાયેલી છે જોકે પુરો છંદ મળતો નથી.

કામધેનુ ચારતાં સંકટ સાંગાને પડયું.
બીજું ન મારે કોઈ બાઈ એમ શક્તિનું સમરણ કર્યું ઝાંપા ઉપર ઝોંપી લિધાતા આઈ તેદી તેંઅરી 
સાંગવારી શકત વરજુ વાર કર વિશ્વંભરી...

📌સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર 
📌પ્રેષિતઃ
મયુર. સિધ્ધપુરા-જામનગર

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT