આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭
આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭
સંપૂર્ણ શબ્દો શ્રી માતૃદર્શન પુસ્તકમાં થી પ્રકરણ-૬૩ મુ. લેખક:-પીંગલસીભાઇ પરબતજી પાયક
◆કાઠડા:-૨૫-૦૧-૧૯૫૭ રાત્રે ૮:૦૦ પછી કાઠડા પહોંચ્યાં. કાઠડાના ચોક માં કોઈ મોટા સંમેલન છાજે તેવો ભવ્ય મંડપ ખડો કરવમાં આવેલ. અને તેને તોરણો,ચાકળ,ચંદરવા , ધ્વજા-પતાકાઓ તથા કેળના સ્તભોંથી સણગામવામાં આવેલ. વીજળીની રોશની ઝાક્રમઝાળ હતી. અને ધ્વનિ વધ્રક યંત્ર ગાનારાઓના ગાનથી ગાજી રહ્યું હતું. ઉતારાના સ્થળે થોડીવાર આરામ લીધા બાદ પૂ. આઈમાં સભામાં પધાર્યાં . મંચ પર ઉંચ્ચાસને બિરાજ્યા. તુરતજ સંગીતના મીઠા સુર રેલાયા અને કાઠડાની શાળાના અધ્યાપક જ્ઞાતિ બંધુ શ્રી રાણશીભાઈ એ રચેલ કચ્છી ભાષાના ત્રણ સ્વાગત ગીતો એક પછી એક વાજિંત્રોની સ્વરાવલિ સાથે ગુંજી રહ્યા. તેમાનું એક નીચે મુજબ છે..
કચ્છી બોલીનું પ્રાર્થના ગીત
ભલો અસાજો કજા, સોનલમાં! ધાબળીયાળી !
એ.... અસાજા દુઃખજા ડિયડા... ટા... ર, અસાજા.... દુઃખજા ડિયડા...ટા... ર....ટેક.
ત્યાર બાદ શ્રી વજા ભગત મૂંધુડા એક છંદ-સ્તુતિ બોલ્યા અને સ્વાગત ભાષણ થયું.. તેનો ઉત્તર આપતા પિંગલ પાયકે પૂ. આઈમાં માસ મદિરા ગ્રહણ કરનારાના હૃદયને ઢંઢોળીને કેવી રીતે એ વસ્તુઓ છોડાવે છે અને તે છોડે નહિ ત્યાં સુધી સ્વાગત સ્વીકારતાં નથી. તેનો ખુલાસો કર્યા અને પછી મહાભારત, ભાગવત,વાલ્મિકી રામાયણ,પદ્મપુરાણના આધારો ટાકીને ભારત વર્ષમાં ચારણો કેવી રીતે ઉતરી આવ્યા તેનું વર્ણન કર્યું અને ક્ષત્રિયોના સંસર્ગથી ક્ષત્રીયોચિંત આચરણ ગ્રહણ કર્યા અને પોતાના ચારણ કર્મમાં કેટલાક ફેરફારો કર્યા અને તેની વાત કહીને , તુંબેલો હિમાલયમાંથી પંજાબમાં અને ત્યાંથી સિંધ થઈને કચ્છમાં જાડેજાઓ સાથે આવ્યા અને તેમને કચ્છ જીતવામાં સહાય કરી અંતે સેવાના બદલામાં ગામ ગરાસ મેળવ્યા, તે હકીકત કહી. અને પાછળથી પુરુષાર્થ છોડી દેવાથી આળસ ,અજ્ઞાન ,અકર્મણ્યતા આદિના પાપ આવ્યા અને વ્યસનો તથા વ્હેમોની બદીઓ આવી, તે અંગે બોલતા પિંગળ પાયકે કહ્યું કે : "ગામો ગામ અમે જુગાર જોતા આવીએ છીએ. ગજબ ની વાત છે. ચારણો અને બીજી જનતા સૌમાં જુગાર વ્યાપક જોવામાં આવ્યો. વગર પરિશ્રમેં પારકા પૈસા સરકાવી લેવા આ ખેલ આપણું સત્યાનાશ કાઢ્યું છે. પુરૂષાર્થ કરવાની, મહેનત મજૂરી કરવાની વૃત્તિનો નાશ કર્યો છે. પરસેવો રેડયાં વિના કે હૃદય અને દિમાગને શુભ કાર્યમાં પરોવ્યા વિના પારકું ધન હરવાની ક્રિયામાં જગદંબા રાજી ન રહે. આ ગામ ચારણોનું હતું. પણ અત્યારે તો કહેવાનું ચારણોનું રહ્યું છે. ધનિકો ગામનાં ખેતરો વાડીઓ ભોગવે છે. કારણ કે આપણે ઘરેથી પુરૂષાર્થ ગયો , વિદ્યા ગઈ. ધર્મ નો આચારણ ગયો. અને જુગાર આવ્યો. મધમાંસ આવ્યા. વેર ઝગડા આવ્યા, વહેમ અને વ્યસન આવ્યા. અને એવું બીજું ઘણું ઘણું આવ્યું. મા સરસ્વતીના બાળકો આપણે આજે પૂ. આઈમા સમક્ષ એમ કહી શકીએ તેમ નથી કે 'અમે પવિત્ર છીએ, અમે ચારણત્વ જાળવ્યું છે. કારણ કે દેવત્વની વાતો તો ક્યાં રહી? મનુષ્યત્વને અનુરૂપ સદ્ ગુણો પણ આપણે ખોઈ બેઠાં છીએ. આપણે જાણે સંસારથી વિખુટા હોઈ એ, તેવું લાગે છે. જે કોઈ આ બદીઓને રસ્તે જાય તેમને ઘરે શું શું પાપ ન આવે ? પણ હજુ સર્વ સ્થળે દીવડા ઓલવાઈ નથી ગયા. ખૂણે ખાચરે સાત્વિકતા ઝળકી રહી છે. લાછબાઈ જેવાં પવિત્રાત્માઓ છે, વજા ભગત જેવા પવિત્ર વાનપ્રસથો, સેવાભાવીઓ છે. અને પુરુષાર્થીઓ પણ છે પચાણભાઈ જેવા મૂંગા સેવકો પણ છે. સાત્વિકો પોતે શુભ માર્ગ પર ચાલે અને બીજાઓને તે માર્ગે ચાલવાની પ્રેરણા આપે. પણ આપણે તેમને સાથ આપવો જોઈએ. આજે આપણા ધનયભાગ્ય છે કે પૂ. આઈમાં આપણા મેલ ધોવા પધાર્યા છે. એમણે જે મશાલ, આચારશુદ્ધિની મશાલ પ્રગટાવી છે, તેમાંથી આપણે પણ આપણા નાનકડા દીવાઓ જગાવીએ. અને તેનાં અજ્વાળામાં આપણાં ઘર, આપણા હૃદય વાળી, ઝૂડી સાફ કરીએ. બદીઓ અને પાપોને હાંકી કાઢીએ. પૂ. આઈમાના સ્વાગત માટે આપ સૌએ સગવડ કરવામાં કંઈ કમી નથી રાખી. આલા દરજ્જાનો સભામંડપ છે, વીજળીનો જળહળાટ છે, સારાં ભોજન પકવાન છે. સબકે ઠાઠ છે. પણ પૂ. આઈમાં સ્વાગત ગ્રહણ કરવા માટે નથી જ પધાર્યા. એઓશ્રી જે સ્વાગત ઈચ્છે છે તે એ કે 'આપણે બદીઓ છોડીએ, આપણે એ પાપો છોડવા તૈયાર ન હોઈ એ, તો ક્યાં મોઢે સ્વાગતની વાત કરવાના છીએ ? આપને સૌને મારા શબ્દોથી દુઃખ લાગતું હશે. પરંતુ પૂ. આઈમાને આપણા આચરણોથી જે દુઃખ થાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એમનું મુખ હસે છે. પણ હૈયું તો રૂદન કરે છે. એનો આપણે ખ્યાલ કરવાનો છે."
" આપણે જુગાર છોડીએ, મધમાંસ ત્યાગીએ, ધૂણવાના અને ખીર પીવાના વહેમો અને નબળાઈઓને દેશવટો આપીએ. ગામોગામ અઠગ જુગારીઓએ, ભુવાભુવીઓએ , મદ્યમાંસના રસીયાઓએ અને માંગવાના મોહતાજોએ એ બધું છોડ્યું છે. આપ સૌ પણ એજ પ્રકારે એ બધું છોડીને ઉજળે મોઢે પૂ. આઈ માનું સ્વાગત કરો, એ જ ખરૂં સ્વાગત છે, એજ ખરી ભેટ છે. બહેનોને પણ મારી એજ અરજ છે. ( આ વખતે સભામાંથી કહેવામાં આવ્યું કે કોઈ માંગવા જતાં નથી ) બરોબર માંગવા જતાં નથી તે માટે ધન્યવાદ. હવે આગેવાન ભાઈઓ આવીને હકીકત જણાવે."
બાદ ગામના આગેવાનોમાંથી એક શ્રી કાકુભાઈ માંછાભાઈએ જણાવ્યું કે :- "ગત વર્ષ પૂ. આઈમાં અત્રે પધાર્યા ત્યારે ઘણાખરાઓએ પ્રતિજ્ઞાઓ લીધી છે. બાકી છે તેમની પ્રતિજ્ઞા પત્રમાં સહી કરાવી માંડવીમાં રજૂ કરશુ. સૌ ભાઈઓ બહેનોને મારી વિનંતી કે અત્યારે સૌ પ્રતિજ્ઞાઓ લ્યો અને હાથ ઊંચા કરો." પછી સૌ ભાઈઓ બહેનોએ હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞાઓ લીધી હતી.
ત્યારબાદ પિંગળ પાયકે પૂ. આઈમાના જીવન અંગે ટૂંકું પ્રવચન કર્યું. જેમાં પૂ. આઈમાના સ્વાશ્રયી જીવન, અતિથિયજ્ઞ અને કોઈની પાસેથી કંઈ પણ ન લેવાની બાબતો પર પ્રકાશ પાડી ચારણ આઈઓની વિશિષ્ટતાઓને પોતે કેવી દીપાવી છે , તેનું વર્ણન કર્યું. અને જણાવ્યું કે :- આઇમાની જેમ જીવનમાં સ્વાર્થ ત્યાગ ,સાદાઈ તથા સ્વાશ્રય લાવવા જોઈએ. અને જીવનને એકાંગી અને સંકુચિત નહિ, પણ વ્યાપક,વિશાળ , ઉદાર અને સેવાભાવી બનાવવું જોઈએ." સમય ઘણો વીતી ગયો હતો. એટલે સભાની સમાપ્તિ કરવામાં આવી. પૂ. આઈમાં વગેરેએ આરામ કર્યાં અને સભા મંડપમાં આખી રાત્રી ભજનોનો કાર્યક્રમ ચાલુ રહ્યો.
◆કાઠડા:- ૨૬-૧-૫૭ શનિવાર : સવારમાં ૯-૩૦ વાગે સભા મળી. તેમાં સર્વ પ્રથમ શ્રી શંભુદાનજીએ પૂ. આઈમાના પ્રવાસનો હેતુ 'ચારણો પોતાનાં ષટકર્મ-આચાર ધર્મ પાળે' તે બાબતમાં સુંદર રજુઆત કરી તે પછી તેઓ પૂ. આઇમાનું સ્વરચિત સ્તુતિ કાવ્ય બોલ્યા હતા. બાદ પૂ. આઇમાએ પ્રવચન કર્યું હતું.
કાઠડામાં પૂ. આઇમાનું પ્રવચન
"ગયા વરસે મારે ઓચિંતા સોંરાષ્ટ્રમાં જવું પડ્યું, તેનું મને ખુબ દુઃખ થયેલું. એટલે આ વર્ષે ફરીને પ્રવાસ ગોઠવ્યો. તમે મારૂં સ્વાગત કરો તે ભલે કરો, પણ તે સાદાઈથી કરો. નકામો અને વધારે પડતો ખર્ચ કરશો નહિ. હવે આપણે જે કરવાનું છે તે ભગતજીના શબ્દોમાં જ કહું છું કે 'દેવ એવા ફરી વાર થાઈએ,' આપણા પૂર્વજોમાં ધર્મ અને તપશ્યાર્યાના તેજ હતા. ત્યાગ અને સાદાઈ હતા. મિલ્કતનાં દાન તો દેવાય, પણ પ્રસંગ આવ્યે શરીરનાં, જીવનના બલિદાન ચારણોએ દીધાં, એવાં થોડાંઓએ દીધા છે. અને પરોપકારમાં કેવા ભાગ લીધા? આઈ આવડ સિંધની પ્રજા પર અને ત્યાંના ચારણો પર થતા જુલ્મોના નિવારણ માટે બારસો વરસ પહેલાંના જમાનામાં સોંરાષ્ટ્રમાંથી સિંધમાં પહોંચેલા. પંજાબ રાજેસ્થાનને ઢંઢોળીને, સિંધના સુમરાઓનું રાજ્ય ઉથાપીને ત્યાંની પ્રજાના દુઃખોનું નિવારણ કર્યું. આઈ જીવણી જેવાંએ પ્રજાની બહેન દીકરીઓ પર જુલ્મો કરનાર બાકર શેખ જેવા જુલ્મીઓની જડ ઉખેડી નાખી. પોતે દુઃખી થઈને. જોખમ ઉઠાવીને, મોત આંગમીને પણ બીજાઓના ભલા કર્યા. ભગતજીના 'એકલા' નામના કાવ્યમાં ચારણનું સાચું વર્ણન છે કે :-
'તારી શીતળ છાંયલડીમાં સૌને સુવરાવી, તું તપજે તારા સંતાપ એકલો...
જળ તરવા સાગરના સૌને સાથે લેજે,બુડી જાજે આશા ભર્યો તું એકલો....'
(એક કાવ્યની છ કડીઓ ગાયા બાદ પોતે બોલ્યાં કે) "ચારણો બીજાઓનાં દુઃખે દુખાતા, એવા તપસ્વી હતા. આપણી નાનકડી નાત. તેમાં વાડાના ભેદ અને ઊંચાનીચાની વાતો., એ બધું જૂની પુરાણી રૂઢિઓને લીધે થઈ ગયું છે. ખરી રીતે કોઈ ઊંચુંનીચું નથી. ચારણ એક ધારણ છે. અને આપણી સ્થિતિ નબળી છે તે આપણે પુરૂષાર્થ કરીને સુધારીએ. સુધારાનું પહેલું પગથિઉં તે ઊંચા વિચાર છે. વિચાર એ બધાનું બીજ છે. આપણે ઊંચા વિચારોનાં બીજ વાવવાં. એમાંથી મહાન વૃક્ષો થશે. 'અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઊંધા મુરાર જી'. નાનકડા બીજમાં મોટો વડલો પડ્યો હોય છે, તેમ શુભ વિચારોના નાના બીજમાં ઉન્નતિનું વૃક્ષ હોય છે, માટે સૌથી પહેલાં શુભ વિચારનાં, શુભ વિદ્યાનાં બીજ વાવો, બાળકોને ભણાવો, પિંગલશીભાઈએ હમણાં જ મને કહ્યું કે આવડા મોટા ગામમાં ૪૦૦ છોકરામાંથી પંદર વિશજ ભણે છે. તે બરોબર તો નથી જ. એક નહિ દશ માસ્તર ભણાવતાં થાકે એમ કરો. બીજું તમે માંગતા નથી. તેથી હું ખુશ થઈ છું. ચારણ માંગવાને રવાડે ચડ્યો, તેથી માણસાઈ ગઈ, સાચ ગયું અને ટેક ગઈ, લુખો રોટલો ખાવો પણ માંગવું નહિં, એ ચારણોએ દ્રઢ કરવું. વળી તમે નીમ લીધાં તેથી પણ હું ખૂબ રાજી થઈ છું. પણ એ નીમ બરોબર પાળજો સંપત્તિ વધારવી હોય, જીવન ઊંચા બનાવવાં હોય, તો જીવનમાં પવિત્રતા રાખજો,આચાર પાળજો, પુરુષાર્થ કરજો અને સંપ રાખજો. બાઈઓ બહેનોને મારી ભલામણ છે કે તમે પણ નીમ બરાબર પાળજો અને ધૂણવા ધફવાનું મૂકી દેજો. ધૂંણવાના પાખંડ કરતાં શીખીએ તેથી નીતિ અને સાચ જાતાં રહે. તમે જોગમાયાની દીકરીઓ , તમારાથી પાખંડના ખોટા પરચા ન બતાવાય. એ આસુરી પ્રવાહ છે. એમાં આપણાથી ન પડાય, ન ભળાય. આપણી આઈઓના આદર્શ ઊંચા હતા. એમનાં જીવનમાંથી પવિત્રતાની ફોરમ છૂટતી. આપણે એમના આદર્શ પાળીએ. આપણા જીવનમાંથી બીજાં પણ શીખે, એવાં આપણાં જીવન હોવાં જોઈએ."
"મને કહેવામાં આવે છે કે અહિં પણ ખીર(લોહી) પીવાય છે. બલિદાન દેવાય છે. એતો ભૂંડામાં ભૂંડું છે. બિચારાં ગરીબડાં બકરાં ઘેટાં આપણે આશરે હોય, તેને વહેમમાં પડીને ધરમને નામે મારીને આપણે આપણાં માતાજીઓના થાનક અભડાવ્યા છે. એ થાનકોમાં કતલખાનાં ન કરવાનાં હોય. ધૂપ દીપ કરો. ભજન ધ્યાન કરો, શાસ્ત્રો વાંચો, મીઠાં નૈવેદ્ય કરો અને પાપને કાઢો. તો જ હું રાજી થાઉં." બાદ શ્રી વજા ભગતે ખીર પીનારાં અને બલિદાન આપનારાંઓને એક પછી એક બોલાવ્યાં કે "અજ જીરા ડેવ સાક્ષાત માતાજી પિંઢ પાંજે ઇતે પધાર્યા અઈ, વાસ્તે ખીર પીએતા સે હાજર થીએ. બલિદાન તા કરીએ સે પણ હાજર થીએ. __ ને __, __ ને તેંજા કુટમી હિડાં અચેં ને સમજી વિજે. આઇમાજી ગાલ આકાશવાણી જી ગાલ આય." ( અર્થાતૂ " આજે જીવતાં જાગતા દેવ , સાક્ષાત માતાજી પોતે આપણે ત્યાં પધાર્યા છે. માટે ખીર પીએ છે તે હાજર થાય. બલિદાન કરે છે તે પણ હાજર થાય. __ ને _, __ અને તેના કુટુંબીઓ અહીં આવે ને સમજી જાય, કે આઇમાની વાત એ જગદંબાની વાણી- આકાશવાણી છે.")
ત્યાર પછી બીજાઓને પણ બોલાવ્યાં હતાં અને એ સૌ __,_ _,__ _,_ _, __ __ વગેરે સૌએ હાજર થઈ બલિદાન ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી. અને ખીર પીનારી બહેનોએ પણ તે ન પીવાની પ્રતિજ્ઞાઓ લીધી હટીમ એ કાર્ય પુરૂ થયા બાદ ગામમાં એક-બીજા પક્ષો વચ્ચે જુનાં પુરાણા કારણોસર અપૈયા હતા, તે મિટાવીને કસુંબો પાવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. એવા બે અપૈયા ગામના ભાઈઓ વચ્ચે હતા. તથા એક અપૈયો કાઠડા ગામના ભાઈઓ તથા મોટા કરોડીયાના ભાઈઓ વચ્ચે હતો. એ બધા અપૈયાઓનું નિરાકરણ પૂ. આઇમાની રૂબરૂમાં થયું હતું. આ બધાં શુભ કાર્યોથી પૂ. આઈમાં ખૂબ પ્રસન્ન થયાં અને બોલ્યાં કે-"અપૈયા તોડયાનું દુઃખ તો કોઈને નથી ને !" સૌએ ના પાડી. એટલે પોતે કહ્યું કે "આ અપૈયાઓનું પાપ આપણે ઠેઠ દરિયામાં પધરાવી દેસું. મઢડા સંમેલન વખતે આવા અનેક અપૈયા ભંગાવ્યા હતા. ચૂંવા ને બાવડા ( અને રાજૈઆ વગેરે નરા) સાથે બેસીને ન જમતા, તે બધાંયને સમજાવીને ભેળા બેસાડીને જમાડયા હતા." તે પછી પિંગલ પાયકે આગેવાનો પાસે મુદાની વાત મૂકી. વિદ્યાદાનની ચર્ચા ઉપસ્થિત કરી, કાઠડાનો સહકાર માંગ્યો. પરંતુ કાઠડાના આગેવાનો ઘણી મથામણ પછી પણ એકમત થઈ ન શકતાં એ કામ મુલત્વી રહેલું.
◆ લાછબાઈ બહેનના નિવાસે તથા શ્રી વજા ભગતના આશ્રમમાં પૂ. આઇમાની પધરામણી.
કાઠડાનાંજ દીકરી લાછબાઈ સેડા બ્રહ્મચર્ય પાળે છે, સીવણકામ કરીને ગુજરાન કરે છે. (ઉંમર એ વખતે પચીસ લગભગ હતી.) ભજન ધ્યાનમાં જીવન વિતાવે છે. ગામથી અલગ એક વાડીએ રહે છે. તેમની આગ્રહભરી વિનંતિથી પૂ. આઈમાં વગેરે એમને ત્યાં ગયાં અને ત્યાર પછી થોડેક દૂર બીજી વાડીમાં આવેલા શ્રી વજા ભગતના આશ્રમે-રામકૃષ્ણ કુટીરે- પૂ. આઇમાની પધરામણી કરાવવામાં આવી હતી. શ્રી વજાભગત (વજાભાઈ ગોપાલભાઈ મૂંધુડા) વાનપ્રસ્થ જીવન ગાળે છે. ખૂબ સિધી પ્રામાણિક, સાદા, પવિત્ર,સંસ્કારી સેવાભાવી સજ્જન છે. એ પોતે પણ શરીર શ્રમ-ખેતી દ્વારા જીવન નિર્વાહ કરે છે અને દિવસ રાતનો ઘણો ખરો સમય સતશાસ્ત્રોના વાંચન-મનન,ધ્યાન, ભક્તિમાં ગાળે છે. સંસ્કૃત ભાષાના જાણકાર વિદ્યવાન છે. વજા ભગતને આશ્રમેથી સીધા માંડવી તરફ પ્રયાણ કર્યું. ૧૧-30 લગભગ માંડવી પહોંચ્યા...
ભૂલ ચૂક સુધારી મેં વાંચવું
જય માં સોનબાઇ
પોસ્ટ ટાઈપ બાય :- ભાવેશભાઈ ગઢવી (કાઠડા) મો. 7874562857
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें