સમાજ સેવક સંતશ્રી વજા ભગત
કચ્છી સંત કવિએ કહ્યું છે
“ભલા ભવે ન વિસરે, નગુણાં ન ચડે ચિત્ત,
અગિયા ઉની જો ઓઠિંગો, પુઠિયા છોબંધ ભિત
એડા સજણ કિત... લભે નતા હિન લોક મેં”
આવા એક 'સજણ' જેને કચ્છ અને કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા કાયમ યાદ રાખશે. કચ્છના સંતો, ભક્તો અને સાક્ષરો વર્ષો સુધી જેને હૈયે ને હોઠે કંઠે ને કોઠે જેમનું નામ કંડારી રાખશે, ભંડારી રાખશે, સંભારી રાખશે એ સંત હતા કચ્છી ગીતાના સર્જક એક મહાન ચારણ ઋષિ વજા ભગત.
કચ્છની ભૂમિ સંતો ભક્તો અને શૂરવીરોની ભૂમિ છે. કચ્છની કોડીલી ધરા પર કાયમ કેસરી સિંહ જેવા સપૂતોએ જન્મ લઈ આ અવિનને પાવન કરી છે. આમાય વળી કચ્છની ખમીરવંતી કોમ, જેણે સાહિત્ય ને સંસ્કૃતિનો વારસો કાયમ જાળવી રાખ્યો છે. એવી ચારણ જાતિમાં સંતો, કવિઓ અને માતાજીઓ પ્રગટતા રહ્યા છે. આજેય પણ કચ્છની વીરભૂમિમાં કાંઠાળ પ્રદેશમાં ચારણ ગામોના પાદરમાં શૂરવીરોના પાળિયા અને સંતોની સમાધિઓ એની સાક્ષી પૂરે છે.
કાઠડા ગામમાં આજથી ૧૦૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૧૫માં અખાત્રીજના દિવસે ચારણ જાતિના મુંધુડા કુળની કાનાણી શાખામાં ગોપાલ ભીમાના ઘેર વજા ભગતનો જન્મ થયો. તેમનું પૂરું નામ વરજાંગ (વજાંગ), બાલ વરજાંગ જન્મથી જ વિલક્ષણ અને વિશિષ્ટ રહ્યા હતા. બાળપણથી જ તેમના વાણી અને વર્તન વિસ્મય પમાડનારા હતા. કુટુંબમાં બધા ભાઈ-ભાંડુઓમાં તેઓ સૌથી મોટા હતા. તેમનું બાળપણ ભાઈ-ભાંડુઓ સાથે જ આનંદથી પસાર થયું. તેઓ શાળાનું પદ્ધતિસરનું શિક્ષણ લઈ શક્યા ન હતા. છતાં આગળ જતાં સાક્ષર શિરોમણી બન્યા.
બાળપણ પૂરું થતાં જ વરજાંગે યુવાનીના ઉંબરે પગ મૂક્યો પરંતુ આ ચારણ યુવાનને એકલા રહી પ્રભુ પરાયણ જીવન જીવવાની તમન્ના હતી. પરંતુ માતા પિતાના સંતોષ ખાતર લગ્ન કર્યા. પરંતુ ટૂંકા ગૃહસ્થાશ્રમમાં તેમના ધર્મપત્નીનું અવસાન થયું. વજા ભગતને લાગ્યું, ‘‘ભલું થયું ભાંગી જંઝાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ."
વજા ભગતે શુભ સંકલ્પ કરી વિજય વિલાસની બાજુમાં સાગર કાંઠે ઝૂંપડી બનાવી એ ઝૂંપડી રામ-કૃષ્ણ કુટીર પાસે વિશાળ વિજય વિલાસ પણ વામણું લાગે છે.
પરમહંસ સમાન પ્રખ્યાત પાલુ ભગત અને અનેક સંતો, ભક્તોના સત્સંગથી ગાજતી વજા ભગતની ઝૂંપડી તીર્થ સ્વરૂપ બની ગઈ.
સંયોગવશાત માંડવીમાં સુખાત્માનંદજી સ્વામી સાથે સંપર્ક થયો. તેમની પાસેથી વેદાંત અને વૈદક બન્ને શીખ્યા. તેમના પિતાજી ગોપાલ પાસેથી પણ પ્રારંભિક વૈદક શીખ્યા હતા, તેમાં વળી વધારો થયો, થોડા સમયમાં શ્રી નાનાલાલભાઈ વોરા ઉર્ફે નાના કાકાના સંપર્ક થકી વજા ભગત સંસ્કૃત શીખ્યા હતા. રૂઢિગ્રસ્ત જૂનવાણી ગ્રામ્યજીવનને લીધે વિધિસર કોઈ શાળામાં ભણી શક્યા ન હતા. આમ છતાં આત્મબળ અને શ્રદ્ધાથી તેમજ મૌલિક મેઘાથી તેમણે પાણિની વ્યાકરણમાં પ્રવેશ કર્યો તેઓ માંડવીથી કાઠડા અને કાઠડાથી માંડવી વીસ કિ.મી. નો પંથ કાપી રોજ અભ્યાસ કરતા. આ ઉપરાંત આઠ કલાક ખેતીવાડીનું કામ તો ખરું જ. પિતા તરફથી મળેલો વારસો ભાઈ ભાંડુઓ વચ્ચે વહેંચી દીધો. પોતે એક ત્યાગી તપસ્વી શ્રમજીવી, સાધક બની જીવવા લાગ્યા.
વિનોદવૃત્તિ વાળા વજા ભગતની રાઘવના કાવ્ય બોલવાની વિશેષતા હતી. 'ખેતા ખાંટની ખિલ ખેટા'નું મર્માળુ મનોરંજન કરતા. તેમને કંઠે ગુજરાતી, હિન્દી, વ્રજભાષા, સિંધી, કચ્છી અને ચારણી સાહિત્યની કવિતાઓ, દુહા, છંદ, શ્લોક, બેત, સુભાષિત, સાખી સોરઠા, સૂત્રો સહેજ રીતે સરી પડતા. વેદ, વેદાંત, ઉપનિષદો, બ્રાહ્મણ, આરણ્યક ગ્રંથોની માર્મિક મિમાંસા કરે ત્યારે ભલભલા વિવેચક અને વિદ્વાનોના છક્કા છોડાવી નાખતા.
વજા ભગતને તુલસીકૃત રામાયણ તો જાણે આખુંયે કંઠસ્થ ન હોય ? તેમણે સેંકડોવાર પારાયણ કર્યું હશે. એમાં અતિશયોક્તિ નથી. શ્રીમદ્ ભગવત ગીતા પર તો એટલો ભાવ કે આખી ગીતાને તો માતૃભાષા કચ્છીમાં સમશ્લોકીમાં લખી નાખી આધ્યાત્મિક અનુવાદોમાં આજે તે એક સીમાસ્તંભ ગણાય છે.
વિદ્વાન, વિવેચક અને સર્જક વજા ભગતની અનેક કચ્છી, ગુજરાતી અને હિન્દી ભાષાની પદ રચનાઓ પ્રચલિત છે. વેદાંત, વૈદક, વ્યાકરણ, વાંગમય ઉપરાંત યોગસાધનામાં પણ તેઓ ઊંડા ઉતર્યા હતા. પતંજલિ યોગસૂત્ર અને મહાભાષ્યનો તો
તેમનો સારો અભ્યાસ હતો. નિરૂકતને સાંખ્યશાસ્ત્રનો પણ તેમનો ઊંડો અભ્યાસ હતો. સાહિત્ય સાધના સાથે સમાજ સુધારણામાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે. વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનોમાં ફસાયેલ ચારણ સમાજને એમાંથી બહાર કાઢવા વજા ભગત જિંદગીભર ઝઝૂમતા રહ્યા. ગામડે ગામડે ફરી લોકોને સુમાર્ગે વાળવા પ્રયત્નો કર્યા. રામ-કૃષ્ણ કુટિરમાં રામનવમી અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણીની શરૂઆત કરી. શ્રી લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગની સ્થાપનામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. કન્યા કેળવણીના તેઓ પ્રખર હિમાયતી હતા. કોઈના પર થતો જુલ્મ કે અત્યાચાર સાંખી લે નહીં. જરૂર પડયે માળા મૂકી હાથમાં હથિયાર ઉપાડતા પણ અચકાતા નહીં. એ શુરા સંત હતા. સૂફી સંત હતા. કબીર, નાનક, સુરદાસ, સુંદરદાસ, તુલસીદાસ, મીરા, નરસિંહ, બ્રહ્માનંદ, મેકરણ તથા રવિ ભાણના રંગે રંગાયેલા હતા. એમની બહુમુખી પ્રતિભાને બિરદાવવા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં એક સન્માન સમારોહ યોજાયેલો. ભારતના મુર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના વરદ્દહસ્તે તેમને સન્માન પણ અપાયું ત્યારે તેમણે જે કંઠગમ્ય ઉદ્ગારો ઉચ્ચાર્યા તે ચિરસ્મરણીય બની રહેશે.
આવા પ્રેમ અને પાંડિત્યના પર્યાય વજા ભગત આપણી વચ્ચેથી પોષ વદ-૫, તા. ૨૭મી જાન્યુઆરી ૧૯૮૯ના રોજ સ્વર્ગ સિધાવી ગયા. એક સિતારો ખરી પડયો. સૂર્ય આથમી ગયો.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें